E-Paperગાંધીનગરગુજરાતગુજરાતભારતભાવનગર

ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાઈ

"યોગ મટાડે રોગ" સૂત્રને સાકાર કરવા રોજિંદા જીવનમાં યોગને અપનાવીએ:-કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા

એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ‌” થીમ હેઠળ‌ ભાવનગરમાં આજે 11 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સિદસર રોડ પર આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમા વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓએ યોગા અભ્યાસ કર્યો‌ હતો.

 

આ પ્રસંગે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ૨૧મી જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે વિશાખાપટ્ટનમ ખાતે યોગ દિવસની ઉજવણી કરીને સમગ્ર વિશ્વને યોગ તરફ વળવા આહવાન કર્યું છે ત્યારે ભાવેણા સહિત આપણું ગુજરાત અને દેશ આજે યોગમય બન્યા છે. આજે વિશ્વમાં લાખો લોકો યોગની ઉજવણીમાં સહભાગી બન્યા છે. તેમણે ઉમેર્યુ કે, ભાવનગર જિલ્લા માં અંદાજે 2 લાખ‌ જેટલા નાગરિકોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા છે. દેશભરમાં અંદાજે 10‌ લાખ જેટલી વિવિધ જગ્યાઓએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું કે, યોગ લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીની પ્રેરણા પૂરી પાડે છે. આપણે સૌ નિયમિત યોગાભ્યાસ થકી જીવનને સાર્થક બનાવવા સંકલ્પબદ્ધ બનીએ. આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોગની ઉજવણીના ભાગરૂપે મેદસ્વિતા મુક્ત ગુજરાત બંને તેનું આહ્વાન કર્યું છે. “યોગ મટાડે રોગ” આ‌ સૂત્રને સાકાર કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રોજિંદા જીવનમાં યોગને અપનાવવા, સ્વસ્થ રહેવા અને ભારત દેશને મેદસ્વિતા મુક્ત બનાવવવા અનુરોધ કર્યો‌ હતો.

આ વેળાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચારક શ્રી જીજ્ઞેશભાઇ પટેલે વિવિધ આસનો અને પ્રાણાયામનું નિદર્શન કરી યોગ કરાવ્યાં હતાં. રોજિંદા જીવનમાં યોગ અપનાવવામાં આવે તો યોગી, નિરોગી બનવાની સાથે પ્રેરણાત્મક ઉર્જા મળતી હોવાનું તેમણે જણાવ્યું હતું.

યોગ દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશાખાપટ્ટનમ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે યોગાભ્યાસમાં સામેલ થઈ પ્રવચન કર્યા હતા. જેનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ લોકોએ નિહાળ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી ડૉ.મનિષ કુમાર બંસલ, રિજિયોનલ કમિશ્નર શ્રી ડી. એમ. સોલંકી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ, મદદનીશ કલેકટર શ્રી પ્રતિભા દહીયા, નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર, બહેરા-મૂંગા શાળા દિવ્યાંગ બાળકો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, મેડીકલ એસોસિએશન, અધિકારીઓ-કર્મચારીઓ, યોગ ટ્રેનરો, યોગ પ્રેમીઓ સહિત વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

અહેવાલ :-અશ્વિન જી. ગોહેલ ભાવનગર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!