
યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ માનવજાતને આપેલી અનમોલ ભેટ છે જયારે સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ એટલે 21મી જૂન
સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકારશ્રી દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વડનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ જ શ્રેણીમાં નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ હવા મહેલ ખાતે યોજાયો હતો જેમાં સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, 21મી જુન એ માત્ર તારીખ નથી, સ્વાસ્થ્ય શાંતિ અને એકતાનો સંદેશો આપતો દિવસ છે, સમગ્ર વિશ્વને એકતાના તાંતણે બાંધવાનો અને યોગને વિશ્વ સુધી લઈ જવાનો દિવસ છે એટલે 21મી જૂન. યોગ એ ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ માનવજાતને આપેલી અનમોલ ભેટ છે…..યોગને વિશ્વ ફલક પર લઈ જવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ સાથે વિશ્વના ૧૯૩ દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો ત્યારથી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આપણા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલસિંહજી રાજપુત માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ એવા વડનગરમાં રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે, આ એક ઇતિહાસ રચાવા જઈ રહ્યા છે. જેની માત્ર આ રાજ્યમાં જ નહીં દેશ અને દુનિયામાં નોંધ લેવાશે.
અહેવાલ :- અશરફ વોરા સુરેન્દ્રનગર